ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


સંવર્ધન


  • પશુપાલન વ્યવસાયની સફળતામાં યોગ્ય પશુ સંવર્ધન ખૂબ જ અગત્યનું છે કારણ કે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતાનો આધાર તેના આનુવંશિક ગુણો ઉપર નિર્ભર છે. આપણે જાણીએ છીએ કે ડેરી ફાર્મના બધા પશુઓને સરખો ખોરાક અને સરખી માવજત મળતાં હોવા છતાં બધા પશુઓનું દૂધ ઉત્પાદનમાં ઉદભવતા તફાવતનું કારણ બધાં પશુઓને દૂધ ઉત્પાદન આપવાનો વારસો એક સરખો મળ્યો નથી તે છે. વધારે અને ઉંચી ગુણવત્તા વાળું દૂધ મેળવવા પશુઓને યોગ્ય સંવર્ધન થકી ઉત્તમ આનુવંશિક ગુણો મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ.
  • સામાન્ય રીતે પશુપાલકોએ પાડીઓ – વાછરડીઓનો ઉછેર માટે એવી કાર્ય પધ્ધતિ અપનાવી જોઇએ કે જેથી બાળપણનો વિકાસ ઝડપથી થતાં પુખ્તઅવસ્થામાં જાનવર પ્રવેશે ત્યારે તેની ઉંમર ૧૮ થી ૨૪ માસ હોય અને શરીરનું વજન ૨૫૦ થી ૩00 કિલો ઓછામાં ઓછું હોય. ફેળવવા લાયક વજન (૨૫૦ થી ૨૭૫ કિ.ગ્રા.) થયા બાદ સિધ્ધ સાંઢ/પાડાના વિર્ય વડે કૃત્રિમ બીજદાન કરાવવું.
  • આપણી દેશી ગાયો અને ભેંસોની ઓલાદમાં ગરમીમાં આવ્યાના બાર કલાક બાદ તેનું બીજદાન કરાવવું. સંકર ગાયના કિસ્સામાં ગરમીમાં આવ્યાના ચિન્હો બતાવે, તેના બાર કલાક બાદ અથવા તો ગરમીના સમય ગાળાને પૂરો થવાના ૮ થી ૧૦ કલાક પહેલા બીજદાન કરાવવું જોઇએ. વધુમાં વેતરકાળ લંબાય તો ૨૪ કલાકના સમયગાળા બાદ ફેર બીજદાન કરાવવાની પણ ભલામણ કરવામાં આવે છે.
  • ગાય કે ભેંસમાં બે વિયાણ વચ્ચે ૧૩ થી ૧૪ માસનો ગાળો રહે તે યોગ્ય ગણાય. બે વિયાણ વચ્ચે નો આ સમયગાળો જળવી રાખવા, નિયમિત રીતે સવાર સાંજ પશુઓ વેતરમાં છે કે કેમ તેનું ઝીણવટભર્યુ અવલોકન કરવું. પશુ બેચેન જણાય, યોની માર્ગ લાલ થઇ સુજેલો દેખાય, વારંવાર થોડો પેશાબ કરે, વારંવાર ભાંભરે તથા છુટી રાખેલ ગાય/ભેંસ એકબીજા પર ઠેકે અથવા અન્ય ગાય કે ભેંસ ને પોતાના પર ઠેકવા દે, આ તમામ લક્ષણો પશુ વેતરમાં છે તે દર્શાવે છે.
  • પશુઓને વિયાણ બાદ પ્રથમ બે માસ ફેળવવા નહીં અને ત્યારબાદ બીજી કે ત્રીજી વખત વેતરમાં આવે ત્યારે ફેળવી ગાભણ થાય તેમ વ્યવસ્થા ગોઠવવાથી બે વિયાણ વચ્ચેનો ગાળો નિયંત્રિત કરી શકાશે.
  • પશુઓમાં ગૌણ તથા મુખ્ય ક્ષારોની ઉણપ નિવારવા સારી કંપનીનું મીનરલ મીક્ષર દૈનિક ૪૦ ગ્રામ લેખે દાણ સાથે ભેળવી ખવડાવવાથી પ્રજનન લક્ષી ધણી સમસ્યાઓ નિવારી શકાશે.