ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ કૃષિ વિશે માહિતી

ખેડૂતો માટે ખેતી અને પશુપાલન અંગેની માહિતી આપતી વિવિધ મોબાઇલ એપ્લિકેશન


સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો


સેન્દ્રિય ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ, જમીનની નિતાર શક્તિ, હવાની અવર જવર તથા જમીનની પ્રત સુધારે છે. તે જમીનમાં રહેલ સુક્ષ્મ જીવાણુંઓનું સંવર્ધન તથા તેમની પ્રવૃત્તિમાં વધારો કરે છે. અને પોષકતત્વો પુરા પાડે છે. માટે પાયાના ખાતર તરીકે પાકને હેક્ટરે ૧૦ ટન (૪ થી ૫ ટ્રેઇલર) સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર દર ત્રણ ચાર વર્ષે એક વખત આપવું જોઇએ. જો સેન્દ્રિય ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો ચાસે ભરવું અને વરસાદ થયે તે ચાસ માં કપાસની વાવણી કરવી જોઇએ. દિવેલી ખોળ હેક્ટરે ૫૦૦ કિલો વાવણી પહેલા ચાસમાં આપવાથી સુકારના રોગની અસર ઓછી જોવા મળે છે.

રાસાયણીક ખાતરોમાં હેક્ટર દીઠ ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) બે સરખા ભાગે આપવો. ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન ખાતર વાવણી બાદ ૨૦-૨૫ દિવસે પારવણી તથા નિંદામણ કર્યા બાદ આપવો. બીજો હપ્તો વાવણી પછી આશરે ૪૫ થી ૫૫ દિવસે આપવો. ખાતર આપતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે. કપાસના પાકમાં ફોસ્ફરસ અને પોટાશ્યુક્ત ખાતરો આપવાની ભલામણ નથી. છતાં જમીનની ચકાસણી કરાવી જરૂર જણાયતો જ જે તે તત્વોની ઉણપ પ્રમાણે ખાતરો આપવા.